Tuesday, 6 May 2014

એક સીટી બસ સ્ટેન્ડ ની આત્મકથા



એક સીટી બસ સ્ટેન્ડ ની આત્મકથા

શિર્ષક વાંચીને ઘણા ને થયું હશે કે આ તે વળી કઈ જાત નો લેખ. સીટી બસ સ્ટેન્ડ પર તો કઈ લેખ લખાતો હશે. પણ મારા ગુજ્જુભાઈ, તમે આ લેખ વાંચશો તો એમ થશે કે આ તો દરેક અમદાવાદી ની આત્મકથા છે. 

સારા માં સારા બસ સ્ટેન્ડ ની વાત કરીએ તો દુબઈ સૌથી ઉપર આવે. ત્યાના બસ સ્ટેન્ડ એટલા બધા આધુનિક થઇ ગયા છે કે તેમાં એરકન્ડીશન, પીવાનું પાણી, ચાર્જીંગ પોઈન્ટ, બેસવા માટે આરામદાયક ખુરશી, આવતી જતી બસ નું લાઈવ સમયપત્રક વગેરે... સુવિધા ઉપલબ્ધ હોય છે. ભર ઉનાળે આપણા ગુજ્જુભાઈ જેમ એરકન્ડીશન વાળા A.T.M. બુથ માં વધુ માં વધુ સમય લાગે તે રીતે પૈસા ઉપડવા માં મોડું કરે (ઠંડક નો લાભ લેવા) તેમ દુબઈ ના બસ સ્ટેન્ડ પર આખો દિવસ એરકન્ડીશન માં બેસી રહીએ તેવુ મન થાય. 

પણ હવે આપણે દુબઈ થી પાછા અમદાવાદ આવી જઈએ. આપણા બસ સ્ટેન્ડ પણ કાઈ સાવ નાખી દેવા પડે એવા નથી. પછી ભલે ને જાહોજલાલી જેવી સુવિધા નો હોય પણ હવે તો તેમાં બેસવા માટે લોખંડ ની બેંચ પણ મુકેલી છે. ભર ઉનાળે અખો દિવસ પડતા તડકા માં ભલે ને તે ખુબ ગરમ થઇ જાય... પણ ગજવામાંથી પરસેવો લુછવા કાઢેલો રૂમાલ આ ગરમ બેંચ પર રાખી તેના પર બેસી બસ ની રાહ જોવાની મજાજ કૈક ઓર છે. 

આપણા બસ સ્ટેન્ડ નો ઉપયોગ ઘણી રીતે થાય છે. ઘણા સ્ટેન્ડ પર ચા નો ગલ્લો, ગાય-કુતરા નો અડ્ડો, કે પછી ગરીબ કે ભટકતા નિરાશ્રિતો માટે રહેવા સુવાની જગ્યા બની રહે છે. બાકી ઘણા લોકો તો બસ પકડવાની જગ્યા તરીકે પણ ઉપયોગ કરે છે! સવાર થી સાંજ સુધી જાત જાત ના લોકો અહી આવતા હશે. કોલેજે થી ભાગેલા છોકરા છોકરી એક બીજાનો હાથ પકડી, મોઢા પર દુપટ્ટો બાંધી સાંજ સુધી બસ સ્ટેન્ડ પરજ બેસી રહેતા હોય છે. તો ગાળામાં ટાઇ પેરી, નવા બુટ, ઈસ્ત્રી વાળો સફેદ શર્ટ, અપ ટુ ડેટ થઈને ઈન્ટરવ્યું માટે જતો કોઈ યુવાન, કલાકો સુધી બસ ની રાહ જોઈ થાકીને ટાઇ ઢીલી કરી, વારે વારે પરસેવો લૂછતો અને અંતે રીક્ષા માં બેસતા વખતે ભીના મોર જેવો થઇ ગયેલા જોવા મળશે. 

આજકાલ તો બસ સ્ટેન્ડ પર લગાવેલા જાહેરાતો ના મોટા મોટા બોર્ડ પણ ખુબ મજાના હોય છે. એ જાહેરાત નો ઉપયોગ લોકો તેમની આગવી કલાકારી કરવા કે તેના પર ચિત્રકારી કરવા કરતા હોય છે. જાહેરાતો માં દર્શાવેલા કલાકારો ના ચહેરા પર મૂછો દોરવી, સૂચનો લખવા, પ્રેમી પંખીડા પોતાનું નામ લખી ફરતું દિલ નું ચિત્ર બનાવે, કોઈ પાન ની પિચકારી મારે. જાહેરાત ના વિશાળ બોર્ડ પર થોડા દિવસ પછી કોઈએ ટયુશન ક્લાસ કે વજન ઘટાડો ની જાહેરાત ના કાગળ ની હારમાળા જોવા મળે. આ જાહેરાત બોર્ડ દિવસે તો લોકોને છાયડો આપે અને રાત્રે તેની જગમગ થતી લાઈટ અજવાળું ફેલાવે. 

બસ ની રાહ જોતા લોકો ને જોઈએ તો તેનો નજારો જ કાઈ અલગ પ્રકાર નો હોય. બે અજાણ્યા બહેનો બસ ની રાહ જોતા જોતા વાતો કરવા લાગી જાય ને વાત કરતા કરતા દુરથી નજર પણ કરી લે કે બસ તો નથી આવતી ને.. અને જો બસ આવતી દેખાય તો ચાલતી વાત અધવચે મૂકી ને સીધા બસ તરફ દોટ મુકવાની. ઘડી ભાર માં તો બંન્ને બહેનો જાણે કે સાવ અજાણ્યા થઇ જાય. 

હવે તો આ બસ ના ડ્રાઈવર પણ એવા અક્કડ થઇ ગયા છે કે બસ ને સ્ટેન્ડ સિવાય તો બીજે ક્યાંઈ ઉભી ના રાખે. પછી ભલે ને રસ્તા માં કોઈ બહેન કાંખ માં છોકરું લઇને દોડતા બસ પકડવા આવે. કોઈ વાર તો એવું બને કે નોકરી પર જવા નીકળેલા, પોતાના ઘરે થી બસ સ્ટેન્ડ તરફ ચાલતા જતા હોય, ત્યાં અચનાક સામેથી બસ આવતી દેખાય... આ જનાબ તો સ્ટેન્ડ તરફ દોડ મુકે પણ ફરી પાછું પોજીશન માં પંચર પડે તેમ એમને થાય કે ઓફીસ માં મોટા એક્સીક્યુટીવ હોઈએ ને બસ માટે આમ જાહેરમાં દોડાય એ સારું નો લાગે ને... પછી તો નજર સામેજ સ્ટેન્ડ પર ઉભેલા લોકો ધક્કા મુક્કી કરી બેસી બસ ઉપડી જતા જોઈ અફસોસ કરે કે આજે ફરી પાછું ઓફીસ મોડું થશે ને બોસ નો ઠપકો સંભાળવો પડશે. પણ આવું તો રોજ થાય એ ના પોસાય, એટલે હવે આવા એક્સીક્યુટીવ લોકો પાસે બોઉં વિકલ્પ નથી વધતા,,, કાતો NANO વસાવી લે ને કાતો જાહેર માં મોટી ફાંદ હલાવતા દોડી બસ પકડવાનું શીખી લે. 

બસ સ્ટેન્ડ પર કેટલીયે હરીફાઈઓ થતી હશે. જો ગણતરી કરવા બેસીએ તો બસ સ્ટેન્ડ ઓલમ્પિક નું આયોજન કરી મેડલ આપવા પડે... જેમ કે બાંકડા પર સૌથી પહેલા બેસી જવું, બસ આવતી જોઇને પહેલા ઉભા થઇ બહાર આવી જવું, દુર થી બસ ની ઝડપ નો અંદાજ મેળવી તેનો પાછલો દરવાજો આવે એવી જગ્યા એ ઉભા રહી જવું, પછી ધક્કા મુક્કી કરી બસ માં બેસી ને જાણે કે તરતા ન આવડતું હોય એવા વ્યક્તિ ને ઊંડા પાણી માં ધક્કો માર્યો હોય, અને તે બહાર આવવા માટે જેમ બંને હાથે જહેમત કરે તેમજ  ખીચો ખીચ ભરેલી બસ માં ગમે તેમ કરી આગળ વધી સીટ મેળવી લેવી.. 

બોર્ડ ની પરીક્ષા માં પાંચ વખત ફેઈલ થયા પછી જેમ તેમ કરી કાપલી ની મદદ થી પાસ થયા કરતા પણ વધુ આનંદ બસ માં સીટ મેળવવા નો થાય છે. બદનસીબી તો ત્યારે છે કે આટઆટલી મહેનત ને ધક્કા માર્યા પછી પણ જો બસ માં કોઈ ઘરડા દાદા કે માજી માટે જીતેલી સીટ નો ત્યાગ કરવો પડે તેનું દુઃખ ચઢાવો પાસ થયા પછી પણ ફેરસુધારા માં નાપાસ થઈએ તેવું છે. આપણી બસ માં સગર્ભા, સ્ત્રી, ઘરડાઓ, તેમજ સ્વાતંત્ર સેનાની માટે અલગ સીટ ની (ખાલી નામ ની) વ્યવસ્થા હોય છે. પણ હકીકત માં આ સીટ અપડાઉન કરનારાઓએ પચાવી પાડી છે. 

ઘણી વાર રમુજ પણ થતી હોય છે. મ્યુનીસીપલ કોર્પોરેશન ના અંગત સલાહકાર હોય તેમ બસ સ્ટેન્ડ પર રાહ જોતા દરેક લોકો વણમાગી સલાહ આપતા હોય છે. અમદાવાદી આમ પણ સૌથી સસ્તી વસ્તુ સલાહ આપવામાં આગળ અને સૌથી મોંઘી વસ્તુ મદદ માં પાછળ હોય છે. એમાં પણ જો તમે બહારગામ થી આવેલા હો તો બસ પૂરું થઇ ગયું સમજો. તમને ભલે બધી ભાન પડતી હોય, ખબર હોય કે ક્યાં રૂટ ની કઈ બસ પકડવાની છે... પણ પેલા સલાહકાર મિત્રો ટાઇમ પાસ કરવા આવી જશે.. તમે એક કામ કરો, તમારે જો કાલુપુર જવું હોય તો ૮૦૦ ની બસ આવે તે પકડી લો. બીજો કહેશે કે ના ના એ બસ તો બહુ ફેરવી ને લઇ જશે. આ ભાઈ તો નવા છે, એમને ખ્યાલ ના આવે. તમે એક કામ કરો.. ૫૨/૨ માં બેસી જાઓ.. તમને ગીતા મંદિર ઉતારી દેશે ત્યાંથી તમને ૫ રૂપિયા માં છકડો મળી જશે. અને વાત માં ને વાત માં બસ આવે એટલે પેલા બંને બેસી જશે ને બહારગામ વાળા ને બસ ઉપડી જશે પછી ખબર પડશે કે મારે પણ બેસવાનું હતું... 

એક કલાક થઇ પણ બસ નાં આવી. સ્ટેન્ડ પર રાહ જોઈ જોઈ ને થાકી અંતે મગજ માં ગણતરી કરી કે રીક્ષા કરીશ તો રૂપિયા ૩૦ થશે અને બસ માં જઈશ તો રૂપિયા ૫ થશે, પણ જો ઓફીસ મોડો પડીશ તો અડધી રાજા કાપી લેશે. તો હવે રીક્ષા કરી લેવી જોઈએ. તો પણ હજુ ૫ મિનીટ રાહ જોઉં... જો હવે બસ ના આવે તો રીક્ષા કરી લઉ. આવું તો છેલ્લા ૧ કલાક માં કેટલીય વાર વિચારી જોયું.. પણ અંતે દિલ પર પત્થર મૂકી રીક્ષા વાળા ને ઉભો રાખ્યો. તેમાં બેઠા ને રીક્ષા હજુ થોડી આગળ વધી ત્યાંજ પાછળ થી બસ આવી ને ઓવરટેક કરી ને આગળ નીકળી. સ્ટેન્ડ પર ઉભેલા બીજા લોકોને બસ મળી ગઈ ને એ પાછા બારી માંથી ડોકું કાઢી પેલા રીક્ષા માં બેઠેલા તરફ જોઈ મનમાં ને મનમાં હસતા. 

કાયમ બસ માં અપડાઉન કરવા વાળા લોકો બધા થી અલગ તરી આવે. ચહેરા પર અલગ પ્રકાર નો ગુમાન હોય, બીજા પેસેન્જર, ચાની લારી વાળા વગેરે ને પણ તેઓ જાણતા હોય. સ્ટેન્ડ પર આવતાજ બીજા ને ઉભા કરી તેમના બાકડા પર બેસી જવાનું, ફોન કરી બસ નું લોકેશન જાણી લેવાનું ને બસ આવે એટલે ગમે તેલી ભીડ હોય પણ આ ભાઈ તો એબ થી આગળ ના દરવાજેથી બસ માં ચડે ને ડ્રાઈવર પાસે બોનેટ પર બેસી આરામ થી મસાલો બનાવીને ખાશે. અગાઉ થી પાસ લીધેલો હોય એટલે આમને ટીકીટ લેવાની તો કોઈ માથાકૂટ નહિ, પણ દેખાવ તો એવો કરે કે પોતે કોર્પોરેશન ના જમાઈ છે, ને ટીકીટ લેવી નો પડે... ચાલુ બસે ડ્રાઈવર ને કંડકટર સાથે મોટેથી વાતો કરે જાણે કે તેમના સગા જ હોય. બીજા લોકોને તો આમના વર્તન થી એવુક લાગે કે આ કોઈ મોટું માથું લાગે છે. બસ સ્ટેન્ડ પર બસ કરતા રીક્ષા વધુ મળતી હોય છે. 

આપણા અમદાવાદી ડ્રાયવર ને બસ ઉભી રાખવા કરતા ઉપાડી દેવામાં વધુ રસ હોય છે. લોકો સલામતી થી ચઢી ગયા તેનું ધ્યાન પણ નથી આપતા, પણ લોકો ઓછા ચડે તેવી રીતે જ બસ હંકારી મુકવા માં આ લોકોને ફાવટ આવી ગઈ હોય છે. મોટે ભાગે તો બસ આવે તે ઉપરથી ભરેલી આવે ને હમેશ ની માફક લોકો એ બે ક ત્રણ બસ જાય પછી જ ચડવાની જગ્યા મળે. અમદાવાદી તો હવે બોઉં હોશિયાર હોય છે, ભરેલી બસ જો આવે તો તે ઉભી જ ના રહે એટલે તેઓ હવે સીધા નજીક ના ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી જાય છે ને બસ આવે એટલે લટકી પડે છે. એક અનુમાન મુજમ, બસ સ્ટેન્ડ કરતા ટ્રાફિક સિગ્નલ પર બસ વધુ ઉભી રહે છે. 

જેમ જેમ રાત પડતી જશે તેમ તેમ પેસેન્જર ની સંખ્યા માં ઘટાડો થશે અને ગરીબ, નિરાશ્રિતો ની સંખ્યા માં વધારો થતો જશે. પેલું પ્રેમી પંખીડું ઉભું થાય તો બિચારા થાકેલો મજુર ત્યાં સુવા ની રાહ જોતા હશે. ગમે તે કહીએ, પણ આ સીટી બસ એ દરેક શહેર ની કરોડરજ્જુ માફક છે. જેમ ફરતું પાણી અતિશુદ્ધ હોય તેમ આ બસ આપણા શહેર ને ફરતું રાખે છે. સવારે સ્મિત આપતા કંડક્તર સાંજે ભુરાયેલો જોવા મળશે. ૨ રૂપિયા ના છુટા પૈસા માટે પણ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઇ જશે.

પણ ક્યારેય આપણે એવો સંકલ્પ ના લઈએ.. કે હમેશા બસ સ્ટેન્ડ પર લાઈન લગાવી ને જ ઉભા રહીએ, અને જયારે બસ આવે ત્યારે પ્રથમ આવનાર ને પ્રથમ બેસવા મળે. બસ માં બેસીયે ત્યારે છુટા પૈસા થી ટીકીટ લઈએ. આમ તો પેન્ટ ના પાછળ ના ખીચા પરચુરણ થી ભરાઈ ને લાંબા થઇ ગયા હશે. પણ બસ માં તો ખોટું બોલીને છુટા નહિ આપવાની ટેવ ક્યારે જશે... બાળકો ની સાચી ઉમર બતાવી, તેની પણ અડધી ટીકીટ લઈએ.. અને ખાલી ૨ કે ૩ રૂપિયા માટે આપણા બાળકો ની સામેજ ખોટું નહિ બોલીએ. બની શકીએ તો એક વાર આગ્રહ કરી કોઈ બીજાને બેસવા માટે પોતાની સીટ આપીએ. સમય મળે તો ક્યારેક કન્ડકટર ને ઠંડુ પાણી આપીએ અને વાતો માં તેમના એક વાર વખાણ કરીએ કે ભાઈ... તમે બોઉં સારું અને સમ્માનનીય કામ કરો છો....

મારું તો માનવું છે કે લેખકો એ જંગલ કે પહાડો પર એકાંત માં જઈને લખવાનું માંડી વાળી અમદાવાદ ના ભરચક કોઈ પણ બસ સ્ટેન્ડ પર બેસી લખવાનું શરુ કરી દેવું જોઈએ ત્યાંતો લખવા માટે ભાતભાત ના વિષય અને પાત્રો પણ મળી રહેશે.

સારું ચાલો ત્યારે... મારી બસ દુરથી આવતી દેખાય છે. એ આવજો... 

~ ચિંતન પંડ્યા

Friday, 14 February 2014

ન્યુઝલેટર... નોમેક્ષ (KnowMax)


Editor’s Desk

You know, when it comes to nding out what’s happening in and around GPERI, there’s nothing quite like leaning one elbow on the fence or glancing the breeze with your own magazine the KnowMax.


Welcome to KnowMax : the yearly newsletter about the life of GPERI. If you're thinking "only Readers Paradise would name a magazine after the Knowledge…?" you're doubtless right! The KnowMax refers to Know More or Maximum Knowledge. The name has become a distinctive identity of every GPERIen. The First issue of the KnowMax was published in January 2013. The
launching ceremony was graced by Dr. A. J. Mehta, Director and Prof. R.R. Patel, former Advisor of GPERI. The rst KnowMax was sent out in an attractive, printed magazine style with the purpose of showcasing the excellence of the GPERI. A very positive and enlighten feedback received from all around. From this year onwards, we are adding the online version of KnowMax.


The editorial team is committed and believes in quality, accuracy, dynamism and interactivity in publishing KnowMax as a GPERI brand with all current information about people and events that you as a GPERIen will nd interesting. I extend my sincere gratitude to Dr. A. J. Mehta, Director for his constant motivation and support towards the publication.


Now it’s your turn to speak. You can give us the news about you and your department. Send us your photos, video, activity reports, achievements or
anything which has worth publication value. We love to hear from all Students, Sta ff Members and each GPERIen. 


So, look around, enjoy reading about what’s happening today at GPERI…

Download the full copy of the newsletter from : https://drive.google.com/file/d/0B6HVpa6nO4NTSEUtdnY3aDB0WE0/edit?usp=sharing
 
Chintan Pandya
Editor and GPERI Librarian 
 

ક્યારેક.....મળશે


સંબંધોથી છલકાતી આ વિશાળ દુનિયામાં,
ક્યારેક તો તારો સંગાથ મળશે

પ્રથમ મુલાકાતે મળતી એ ચાર આંખોમાં,
ક્યારેક તો સ્નેહ ની ભીનાશ મળશે

તું જ છે બસ તું જ છે એ સાથી,
ક્યારેક તો આ શબ્દો નો પ્રાસ મળશે

ચાલતા ચાલતા અચાનક અથડાતા એ હાથોમાં,
ક્યારેક તો સ્પર્શ નો અહેસાસ મળશે

અચાનક મળતી એ એકાંતની પળોમાં,
ક્યારેક તો પ્રેમ નો આભાસ મળશે

અતુટ સંબધથી બંધાતી આ ગાંઠમાં,
ક્યારેક તો વિશ્વાસ નો સ્વાદ મળશે

શોધવા જશે તારા પગલાની ભાત ત્યારે,
ક્યાંક મારા પગલાની પણ ભાત મળશે

~ શિલ્પા પંડ્યા





ધન્ય થઇ ગયા ....



એની આંખોના અમેં તો દીવાના થઇ ગયા,
બંધ પાંપણોમાં તેની પ્રેમથી સમાઈ ગયા...

મળવાને રોજ નવા બહાના શીખી ગયા,

એક પળની જુદાઈથી પણ વ્યાકુળ થઇ ગયા...

પ્રેમની પાંખો લઇ અમે તો ઉડતા થઇ ગયા,

લાગણી ના આવેગોમા તરતા થઇ ગયા...

પામવા તેને અમે આ દુનિયા ભૂલી ગયા,

તેને માટે સૌ સાથે લડતા થઇ ગયા...

એની નેહ નીતરતી આંખોમાં એવા ડૂબી ગયા,

સર્વસ્વ અમારું તેને સોપાતા થઇ ગયા...

હાથ તેનો ઝાલી અમે આ જીવન જીવી ગયા,

મળ્યો તેનો સાથ અને અમે ધન્ય થઇ ગયા...

~ શિલ્પા પંડ્યા

Wednesday, 29 January 2014

પ્રિય સ્વજન.... આપનો ખુબ ખુબ આભાર...


સૌ પ્રથમ તો ૨૫ મી જાન્યુઆરીએ મારા માતા પિતાની ૫૦મી લગ્ન જયંતી નિમિતે યોજાયેલ ઉજવણી ના સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવવા બદલ; પંડ્યા પરિવાર તરફથી આપનો ખુબ ખુબ આભાર.

૨૫૦થી વધુ કુટુંબીજનો અને મિત્રોથી ખચોખચ ભરેલો પાર્ટી પ્લોટ અને કાર્યક્રમ દરમિયાન એક પછી એક રજુ થતા ગીત સંગીતના લય અને તાલ થી એક અલગ પ્રકાર નો માહોલ ઉભો થયો હતો. કુટુંબ ના બાળકો દ્વારા રજુ થયેલા ડાન્સ એટલા સરસ હતા કે આવેલા મહેમાનો પણ હિલ્લોળે ચડ્યા હતા. સમગ્ર ગુજરાત તેમજ છેક મુંબઈ થી પણ આવેલા, વર્ષો પહેલા વિખુટા પડેલા જુના મિત્રો, આજે વર્ષો બાદ એકબીજાને મળ્યા. આ પ્રસંગે તેમની આંખો માંથી હર્ષના આંસુ વહેતા સૌ કોઈ જોઈ શકતા હતા.

આ સમગ્ર કાર્યક્રમના સમાચાર ભાવનગરના વિવિધ સમાચાર પત્રો અને ન્યુઝ ચેનેલમાં છવાયેલા રહ્યા. અમારો આ નવતર પ્રયાસનો સંદેશો સમાજ સુધી પહોચાડવા બદલ ભાવનગરના અગ્રણી ન્યુઝ ચેનલ "ન્યુઝ મીડિયા" તેમજ ગુજરાત સમાચાર, સંદેશ અને આજ-કાલ ના તંત્રી મિત્રો નો ખાસ આભાર માનીએ છીએ. શ્રી મહેન્દ્રભાઈ, રેખાબહેન તેમજ અન્ય પત્રકાર મિત્રો, તેમનો કીંમતી સમય અમોને ફાળવી, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જે અમારા માટે ખુબજ સમ્માનીય હતું.

આપ સહુ ની ઉપસ્થિતિ અને સહકાર દ્વારા જ આ કાર્યકમ સફળ બની શક્યો. સમગ્ર પંડ્યા પરિવાર આપ સહુનો આભારી છે !

~ ચિંતન પંડ્યા 

Tuesday, 28 January 2014

અંતિમ કડી....

શબ્દો ના શબ્દો થી બનતી આ કડી
એ શબ્દોમાંથી રચાતી કાવ્યોની કડી

જેમ સાંકળમાં જોડાય છે એક એક કડી
તેમ તારી સાથે જોડાએલી સંબંધોની કડી

કોયલનાં ટહુકાની એ મીઠી કડી
આજે પણ હલાવતી મારી કાનની કડી

યાદો ના કમાડની જયારે ખોલી મે કડી
ત્યાં તો હસતી રમતી મળી એક નાની કડી

ઉઠાવી જયારે એને તો પૂછતી તી એ કડી
ક્યાંક તું તો નથી ને મારી અંતિમ કડી....


                             -શિલ્પા પંડ્યા

એક ટું(કાવ્ય)...


કેટલી બધી અણસમજુ હતી હું
અને તેની સમજણ થી પરે હતી હું
તોય ઘડી બે ઘડી ના મિલન ને
એણે જીંદગી એવું નામ આપી દીધું
સમય અને તેના સાથ ની આંગળી જાલી ને,
આજે સમજણ ની વ્યાખ્યા ને માનતી ગઈ હું
સાથ એનો એવો તો મળ્યો છે મને કે આજે
પ્રેમ ની સમજણ ને પામી ગઈ હું....


~ શિલ્પા પંડ્યા 

એક નવી શરૂઆત (ભૂલ ચુક્ લેવી દેવી)

થોડા દિવસ પહેલા અમે અમારા માતા પિતા ની લગ્ન જયંતી ની ૫૦ મી વર્ષગાંઠ ઉજવી. તે સંદર્ભે અમે ગુજરાતી માં ઘણું બધું લખેલું. લોકો એ જોડણી માટે ઘણી ભૂલો કાઢી પણ પરંતુ તેમાં લખાયેલા વિચારો વિષે ખુબ બધા વખાણ મળ્યા. આજથી અમે (શિલ્પા અને ચિંતન) કંઈક લખવાનું શરુ કરીશું.

અમે આશા રાખીએ છીએ કે આપ સૌને તેમાં મજા પડશે.

તા. ક. : જોડણી ભૂલ કાઢવી નહિ... કારણ કે ... અમે બંને બી.કોમ. વાળા છીએ...આ જાણ્યા પછી પણ જો તમે અમારી ભૂલ કાઢશો તો મારી મમ્મી ને કહી દઈશ...